રવા અબડાસાના પરિવારની હરિતા ભદ્રાએ ૨૦૦ મીટર રિલે રેસમાં મેળવી સિદ્ધિ
જાપાન ખાતે આયોજિત એશિયન ગેમ્સમાં આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે કચ્છી ભાનુશાલી સમાજની દીકરી હરિતા ભદ્રાએ વૈશ્વિક ફલક પર દેશનો ડંકો વગાડ્યો છે. જાપાન ખાતે આયોજિત ૨૦મી એશિયન ગેમ્સ ૨૦૨૬માં આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરી રહેલી કચ્છના અબડાસાના રવા ગામના વતની ભાનુશાલી પરિવારની હરિતા કિર્તનભાઈ નવીનભાઈ ભદ્રા એ આ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ૨૦૦ મીટર રિલે રેસમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરીને સમગ્ર દેશ, પરિવાર, ગામ અને સમાજનું નામ ગૌરવાન્વિત કર્યું હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે.
હરિતા ભદ્રાએ આ સફળતા સાથે રમતગમત ક્ષેત્રે પોતાની ક્ષમતાનો પણ વૈશ્વિક સ્તરે પરિચય આપ્યો છે, જે સમગ્ર યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવાઈ રહ્યું છે.
કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ – જામનગર દ્વારા કચ્છી ભાનુશાલી સમાજની દીકરીની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હર્ષ અને ગર્વની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
દરમ્યાન આ સમાચાર કચ્છમાં પહોંચતા ભાનુશાલી સમાજના વિવિધ શહેર અને ગામના મહાજનો દ્વારા પણ ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરી આ યુવતી પરત્વે શુભેચ્છા વ્યક્ત કરાઈ હતી.

