સંસ્કાર એ જ સાચા શિક્ષણની ઓળખ

લોડાઇને મળી નવી શાળા, વિકાસના કામોનું લોકાર્પણ

ભુજ તાલુકાના લોડાઇ ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાની નવનિર્મિત ઇમારત, મધ્યાહન ભોજન રસોડું, શેડ અને કમ્પાઉન્ડ વૉલ સહિત રૂ.૧૭૫ લાખના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોડાઈ ખાતે યોજાયેલા શાળાના નવા મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી છાંગાએ ગ્રામજનો તથા વાલીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ શાળા એક એવું સરસ્વતીધામ છે જ્યાં ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવ વગર તમામ વર્ગના બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી શકશે. રાજ્યમંત્રીએ બાળકો દ્વારા પોતાના વાલીઓને નિમંત્રણ પાઠવવાની ભાવનાને બિરદાવતા કહ્યું હતું કે, દુનિયામાં માતા-પિતાનું સ્થાન સૌથી મહાન છે અને આ પ્રકારના સંસ્કાર જ સાચા શિક્ષણની ઓળખ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંચાઇ માટે ટૂંક સમયમાં કેનાલ મારફતે પાણીની સુવિધા પ્રાપ્ત થશે. તમામ માળખાગત સુવિધાઓના કારણે આવનારા ૧૦ વર્ષમાં લોડાઈ ક્ષેત્ર તાલુકા મથક સમકક્ષ સુવિધાઓ ધરાવતું સમૃદ્ધ ક્ષેત્ર બનશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઇ રૂડાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાધાબેન વરચંદ, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વાલુબેન બડગા, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઇ ચાડ, શાસક પક્ષના નેતા ધનજીભાઇ ચાવડા, સરપંચ ધુલીબેન બતા, મામલતદાર તેજશભાઇ ઠક્કર અને તાલુકા વિકાસ અધિકારી દિક્ષિત ઠક્કર સહિત વિવિધ ગામના સરપંચ, આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.