પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી બાદ મામલો વકર્યો
ગાંધીધામ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પેસેન્જરો ભરવાના નંબર અને ગાડી પાર્કિંગ બાબતે ઈકો તથા તુફાન ગાડીના ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. આ બનાવમાં ડ્રાઈવર હનીફને માથા સહિત શરીરે ઈજાઓ થતાં પ્રથમ સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે આરીફભાઈ રજાકભાઈ પઠાણે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, ગાંધીધામના ભારતનગરમાં રહેતા ફરિયાદી આરીફભાઈ જાને-પઠાણ (ઉ.વ.30) છેલ્લા દસેક વર્ષથી ગાંધીધામથી મુંદ્રા-માંડવી રૂટ પર ઈકો ગાડી ચલાવે છે. 21 સપ્ટેમ્બરના સવારે આશરે 4 વાગ્યે તેઓ પોતાના ભાઈ હનીફ, પ્રકાશ ખીમજીભાઈ ધોરીયા તથા અન્ય ઈકો ગાડીના ડ્રાઈવરો સાથે ગોપાલપુર રેલવે સ્ટેશનના પાર્કિંગમાં હાજર હતા. આ દરમિયાન આશરે 4:30 વાગ્યે મુંબઈ તરફથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન આવી હતી અને પેસેન્જરો બહાર નીકળતા હતા. તે વખતે માંડવીના રહેવાસી તુફાન ગાડીના ડ્રાઈવર એઝાઝ સુમરા તથા અલ્ફાઝ સુમરા ત્યાં આવ્યા હતા. ગાડીઓ ક્યાં ઊભી રાખવી અને નંબર પ્રમાણે પેસેન્જરો ભરવા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે, એઝાઝ સુમરા અને અલ્ફાઝ સુમરાએ આરીફ તથા પ્રકાશ ધોરીયાને માર માર્યો હતો. દરમિયાન ઈમરાન ભાખા તથા અકુભા નામના બે શખ્સ લાકડી અને લોખંડના પાઈપ સાથે આવી આ બંનેને મારવા લાગ્યા હતા. હાજર અન્ય ચાલકોએ વચ્ચે પડી તેમને છોડાવ્ય હતા. ઈજાગ્રસ્ત હનીફને પ્રથમ રામબાગ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ ખાતે ખસેડાયો હતો. આરીફભાઈએ એઝાઝ સુમરા, અલ્ફાઝ સુમરા, ઈમરાન ભાખા, અકુભા તથા તપાસમાં બહાર આવે તે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ પોલીસ સાધનોએ કહ્યું હતું.

