જખૌથી ખીદરત ટાપુ અને ભારતસોલ્ટ સુધી બોટોની તપાસ
કચ્છની દરિયાઈ સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ગુરુવારે વિશેષ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ જખૌ સેક્ટરની મરીન કમાન્ડો ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ સાથે બોટ તપાસણી કરાઈ હતી.
આ ખાસ ડ્રાઈવ દરમિયાન ખીદરત ટાપુ, જખૌ બંદરથી ભારતસોલ્ટ સુધીના દરિયાઈ વિસ્તારમાં અલગ-અલગ ટીમો તૈનાત કરવા સાથે વિવિધ સ્થળોએ બોટોની ચકાસણી કરવામાં આવી હતી. દરિયાઈ વિસ્તારમાં આવન-જાવન કરતી બોટો અંગે જરૂરી કરવામાં આવી હતી તેમજ સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં પણ તકેદારી માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. સમુદ્રી સુરક્ષામાં માછીમારોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાથી ચેકિંગ દરમિયાન માછીમારોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને દરિયામાં અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો નજરે પડે તો તેના પર ખાસ નજર રાખવા અને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસ-સુરક્ષા તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે યોજાયેલી આ વિશેષ ડ્રાઈવ મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, DIGP એ.એમ. મુનિયા તથા S.P. એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી.

