પાંચ દિવસ કામ સહિતની માંગણીઓ મુદ્દે અપાશે લડત
સરકારની નીતિઓ સામે રોષ અને વિરોધ સાથે શુક્રવારે ૧૧ સપ્ટેમ્બરે બેંક કર્મચારીઓ અને અધિકારીઓ દેશવ્યાપી હડતાલ પર ઉતરશે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, સરકારની કુટનીતિ અને દ્વિપક્ષીય સમજૂતીઓના ભંગના વિરોધમાં આગામી ૧૧ સપ્ટેમ્બરના બેંક કર્મચારીઓ અને અધિકારીઓના ૭ યુનિયનો દ્વારા આ એક દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ ના આ હડતાલ અંગેની સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી. આ આંદોલનમાં સાત મુખ્ય સંગઠનો જોડાયા છે.
મુખ્ય માંગણીઓ અને વિવાદના કારણો વિશે યાદીમાં જણાવાયું હતું કે ૫ દિવસની બેંકિંગ વ્યવસ્થા માટે બેંક કર્મચારીઓની લાંબા સમયથી માંગ છે. તમામ શનિવારે રજા જાહેર કરીને અઠવાડિયામાં માત્ર પાંચ દિવસની કાર્યકારી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. આ અંગે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન સાથે ૮ માર્ચ, ૨૦૨૪ ના રોજ થયેલી સમજૂતી મુજબ સરકારને ભલામણ મોકલવામાં આવી હતી. કર્મચારીઓ દૈનિક ૪૦ મિનિટ કામનો સમય વધારવા પણ સંમત થયા હતા, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં સરકારે હજુ સુધી આ બાબતે અંતિમ મંજૂરી આપી નથી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પર્ફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજના એકપક્ષીય અને ભેદભાવપૂર્ણ હોવાનો યુનિયનોનો આક્ષેપ છે. આ યોજનામાં યુનિયનો સાથે વિગતવાર ચર્ચા કરીને જરૂરી ફેરફારો કરવાની માંગ કરવામાં આવી છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા કર્મચારીઓમાં અસંતોષ છે, જેના કારણે આ વિલંબના વિરોધમાં સરકાર સામે આરપારની લડાઈ લડવા અને તાત્કાલિક નિર્ણય લેવાની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. તેવું જણાવાયું છે.

