ભુજના સેવાભાવી ટ્રસ્ટે કરી સંકલનભરી કામગીરી
પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાના વતની ૨૦ વર્ષીય યુવાન સની સિંગનો ભચાઉ નજીક ચીરઈ પાસે અકસ્માત થતાં તેમને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સોમવારે રાત્રે તેમનું અવસાન થયું હતું.
આ યુવાનના મૃતદેહને તેના વતન પંજાબ (અમૃતસર) પહોંચાડવા માટે જીવદયા સર્વોપરી કચ્છ ઇમરજન્સી ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભુજનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ટ્રસ્ટ દ્વારા સની સિંગના ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું કે પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. મૃતકના પિતા માનસિક રીતે અસ્વસ્થ છે અને માતા અન્યોના ઘરે કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
પરિવારની આવી ગંભીર પરિસ્થિતિ ધ્યાને રાખીને જીવ દયા સર્વોપરી ટ્રસ્ટે પૂરેપૂરી મદદ કરવાની ખાતરી આપી હતી. ટ્રસ્ટ દ્વારા વતન સુધી મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ભાડા પેટે રૂ. ૩૨,૦૦૦ ની આર્થિક સહાય નક્કી કરવામાં આવી છે. જે સરપંચ મારફતે પરિવારને ઉપયોગી થશે. અમૃતસર, ચાવીંડા દેવી, પંજાબના સરપંચ ધર્મેન્દ્રસિંહના સહયોગથી તેમના ગામના જવાનોએ એમ્બ્યુલન્સ ખર્ચ ઉપાડ્યો હતો.

