માધાપરમાં મંદિરે દર્શન કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેનની ચિલ્ઝડપ

દ્વિચક્રી પર આવેલા બે શખ્સ 17 ગ્રામની ચેન લઈ રફુચક્કર

ભુજ શહેરને અડીને આવેલા તાલુકાના માધાપર ગામે મંદિરેથી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ મહિલાના ગળામાંથી દ્વિચક્રી પર આવેલા બે અજાણ્યા શખ્સ સોનાની ચેન ખેંચી ફરાર થઈ જતા પોલીસ દોડધામમાં પડી ગઈ છે. બનાવ બાબતે માધાપર પોલીસ મથકે માધાપરના વેપારી પરષોતમભાઈ ખેંગારભાઈ સોલંકી (સોની)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના સાસુ ચંદ્રીકાબેન જયંતી બુદ્ધભટ્ટી (ઉ.વ. 85) ચોથી ઓક્ટોબરના સવારે બાપા દયાળુનગર ખાતે ઘર નજીક ઓમકારેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પગપાળા ઘરે પરત ફરતા ચિલઝડપની આ ઘટના બની હતી. મંદિર નજીકના ચોકમાં દ્વિચકી વાહન પર બે શખ્સ આવ્યા હતા. ચાલકે સફેદ ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે કાળા કે લીલા રંગનું શર્ટ પહેરી મોઢે રૂમાલ પણ બાંધ્યો હતો. બંનેએ અચાનક વૃદ્ધાના ગળામાં પહેરેલી 17 ગ્રામ વજનની રૂ.1 લાખની સોનાની ચેન ખેંચી લીધી હતી. ચંદ્રીકાબેન નીચે પડી ગયા હતા અને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અલબત્ત બંને બંને આરોપી ચેન લઈને ફરાર થઈ ગયા હતા. તેવું ફરિયાદમાં લખાવાયું છે. માધાપર પોલીસે ગુનો દાખલ કરી સી.સી. ટી.વી. કેમેરાની મદદ લેવા સાથે કડીબદ્ધ પગલાં સાથેની છાનબિન શરૂ કરી છે.