તપસ્વીઓના બહુમાન સાથે કરાઈ અગત્યની ઘોષણાઓ
મુંદરા શહેર અને તાલુકા એકમના જૈન સંગઠન દ્વારા પર્યુષણ દરમિયાન તાલુકાનાં 33 ગામમા અઠ્ઠાઇ કે તેથી વધુ ઉગ્ર તપસ્યા કરનારા 364 તપસ્વીનું બહુમાન તેમજ સામૂહિક ક્ષમાપના સહિતનો ધાર્મિક–સામાજિક કાર્યક્રમ તાલુકાનાં ઇતિહાસમાં પ્રથમવાર યોજાયો હતો. આ પ્રસંગે કચ્છ, મુંબઈ સહિતના સ્થળેથી જૈન અગ્રણીઓ, તપસ્વીઓ, સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અગાઉના સંકલ્પ મુજબ મુંદરામાં જૈન સંકુલ, અતિથિ ભવન, ભોજનાલયનાં નિર્માણ માટે અદાણી ગ્રુપ તેમજ વિવિધ અતિથિઓ દ્વારા સહયોગની ખાત્રી દોહરાવાઈ હતી. તો મુંદરા સર્વ સેવા સંઘમા એક કાર્યાલય શરૂ કરવાની પણ ઘોષણા કરાઈ હતી.
અલગ અલગ જૈન ફિરકાઓને જૈન સમાજના એક છત્ર નીચે લાવવા પ્રયત્નસીલ આ નવરચિત સંગઠનના આ બીજા કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદેથી અદાણી પોર્ટ એન સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે સમગ્ર સમાજને સાથે રાખવાના આ વિચાર અને કાર્યકરોની જહેમતની સરાહના કરી હતી. તેમનાં ગ્રુપ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિત તમામ સેવા માટે પૂર્ણ સાથની ખાતરી તેમણે આપી હતી.
અતિથિવિશેષપદેથી બિદડા સર્વોદય ટ્રસ્ટ ચેરમેન વિજયભાઈ છેડા તેમજ વી ટ્રાન્સ ગ્રુપના અશોકભાઇ શાહે સમગ્ર જૈન સમાજની એકતા પર ભાર મૂકતા મેડિકલ સહિત સેવાકીય કાર્યમાં સહયોગની તૈયારી બતાવી હતી. માંડવીના ડો. કૌશિક શાહે જૈન સમાજ માટે પડતર ભાવે દવાઓ પૂરી પાડવાના તૈયારી બતાવી હતી. પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ પૂર્વ મંત્રી સ્વ. તારાચંદભાઈ છેડાનાં સેવાકાર્યોને યાદ કરીને કહ્યું કે, કચ્છનું ભવિષ્ય હજુ વધુ ઉજ્જવળ છે, ત્યારે નવી પેઢી કચ્છનો બિઝનેસ પ્રવાસ કરે અને વતન પરત આવે.
વાગડના અગ્રણી લક્ષ્મીચંદ ચરલાએ સંગઠનની મહેનત બિરદાવી હતી. મહાવીર ગ્રુપ અંજારના જિજ્ઞેશ દોશીએ મુંદરામાં જૈન ભોજનશાળા શરૂ થાય ત્યારથી પાંચ વર્ષ સુધી તમામ ખૂટતી રકમનો સહયોગ કરશે. તેવી જાહેરાત કરી હતી. ભારતીય જૈન સંગઠન પ્રમુખ હિતેશ ખંડોરે જૈન સમાજની એકતા માટેનું આ સંગઠન આગામી દિવસોમાં મુંદરા વિસ્તારમાં સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ પહેલાં સર્વ સેવા સંઘ પ્રમુખ જિગર છેડાએ સંગઠન વતી આવકાર આપતાં કહ્યું કે, આ નવા ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. પાંચ મહિનાના ગાળામાં આ બીજો કાર્યક્રમ છે અને ત્રીજો કાર્યક્રમ પોતાની માલિકીની જગ્યા પર થશે તેવો વિશ્વાસ છે. કોઈ ફીરકામાં નથી પડવાનું તે બાબતે મુંદરા જૈન સમાજે મહત્ત્વનો દાખલો પૂરો પાડયો છે. મહાજનવાડી, દેરાસર પછીના તબક્કામાં સોનગઢ જેવી સ્કૂલની પણ તેમણે નેમ વ્યક્ત કરીને મુંદરા સર્વ સેવા સંઘમાં સમાજની ઓફિસ શરૂ કરવા અને તેમાં જાતે સમય આપશે એવી જાહેરાત પણ કરી હતી.
સંચાલન કરતાં ધીરજ છેડા `એકલવીરએ’ કહ્યું કે, સમગ્ર જૈન સમાજને એકત્ર કરવા મુંદરા તાલુકાના તમામ ગામડાંમાં કાર્યકરો દ્વારા પુરુષાર્થ કરાયો છે, જેમાં 33 ગામમાં જૈનની વસ્તી છે અને ભોજનશાળામાં જૈન જ નહીં, તમામ સમાજ પણ લાભ લે એવી ભાવના છે. મુંદરા તાલુકા સમસ્ત જૈન સમાજ પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા, જયંતીભાઈ મામણિયાએ મહેમાનોને આવકાર સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગાલા એન્ડ ભણશાલી ગ્રુપના સીએ મુકેશ દેઢિયા, એરિસ્ટો ગ્રુપના વસંત છેડા, બારોઈ -મુંબઈનાં કેકીન કેનિયા, નિકુંજ કેનિયા, નાની તુંબડીના જાણીતા ગૌસેવક પરેશ દેઢિયા, ગાંધીધામ મહાનગરપાલિકા કા.ચેરમેન તેજસ શેઠ, ભુજના નગરપતિ શીતલ શાહ, ભુજના મનીષ મોરબિયા, અરિહંત ગ્રુપના ભોગીલાલ મહેતા, મુંદરા પાંજરાપોળ ટ્રસ્ટી નવીન મહેતા, રમેશ દેઢિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. આયોજક ટીમના હિરેન સાવલા, ચંદ્રકાંત સૈયા, દીપક ગાલા, પરીન ગાલા, કરણ મહેતા, જયંતી શેઠિયા, ખુશાલ દેઢિયા વિ. એ જહેમત ઊઠાવી હતી.

