પાલખીયાત્રા વિવિધ મંદિરોના દર્શન સાથે યોજાઈ
યદુવંશી સોરઠીયા આહીર સમાજ, અંજાર દ્વારા વડીલોપાર્જિત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવા સાથે કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. યદુવંશીઓના કુળદેવી મા હિંગલાજ માતાજીના મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણની પાલખીયાત્રાની વિધિ-વિધાનપૂર્વક શુભ શરૂઆત કરવામાં આવી હતી.
પાલખીયાત્રા દરમિયાન સવાસર નાકા ખાતે દ્વારિકાધીશ મંદિર, સ્વામિનારાયણ મંદિર, મોહનરાય મંદિર, માધવરાય મંદિર, ભરેશ્વર મહાદેવ મંદિર, મહાકાલેશ્વર મંદિર, રાધાકૃષ્ણ મંદિર તથા ભીડભંજન મહાદેવ મંદિર સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવામાં આવ્યા હતા. પાલખીયાત્રા સોરઠીયા નાકા થઈ પરત હિંગલાજ માતાજીના મંદિર ખાતે પહોંચી હતી.
હિંગલાજ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતીનો ચડાવો પેડવા વિનોદ રામજીભાઈ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. રાજય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા પણ યાત્રામાં જોડાયા હતા. સમાજના પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ પેડવા, પ્રમુખ રમેશ કાતરિયા, ઉપપ્રમુખ મુકેશ કાપડી, મંત્રી અનીલ બાંભણિયા, ધાર્મિક સમિતિના ચેરમેન નવીન લાલાણી, ભદ્રેશ કાતરિયા, રામદેવપીર ભક્ત મંડળના સભ્યો સહિત સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તથા ભક્તો જોડાયા હતા. પાલખીયાત્રા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ તથા વિવિધ દેવી-દેવતાઓની કૃતિઓ અને ધાર્મિક ઝાંખીઓ વિશિષ્ટ આકર્ષણ બની હતી. વિવિધ મંડળો દ્વારા માર્ગમાં અલગ-અલગ સેવા સ્ટોલ ઊભા કરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે પી.આઈ. જાડેજા તેમજ શ્રી વાળનું સન્માન કરવામાં આવ્યું હતું. વડીલોએ વર્ષોથી જાળવી રાખેલી ધાર્મિક પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે યોજાયેલા આ કૃષ્ણ જન્મોત્સવમાં સમાજના લોકો ભાવભેર જોડાયા હતા. સામાજિક અગ્રણી જિતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું કે, યદુવંશી સોરઠીયા આહીર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખી નવી પેઢીને આપણી સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડવાનો આ પ્રયાસ અવિરત રાખ્યો છે.

