પર્યાવરણ અને પ્રકૃતિની સંભાળ માટે વિશેષ કાર્યક્રમો જરૂરી

કુકમાંમા ત્રિદિવસીય પર્યાવરણ કાર્યશાળામાં 26 રાજ્યના 60 પ્રતિનિધિ જોડાયા

વિદ્યાભારતીના દેશભરમાં આવેલા 30 હજાર એકમોમાં પર્યાવરણ સંરક્ષણને લગતી વિવિધ પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ બનાવવાના સામૂહિક સંકલ્પ સાથે ભુજ તાલુકમાં કુકમા ખાતે યોજાયેલી ત્રણ દિવસીય અખિલ ભારતીય પર્યાવરણ કાર્યશાળાનું સમાપન થયું હતું. વિવિધ વક્તાઓએ પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ સાથેના જોડાણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાભારતી પર્યાવરણ કાર્યશાળાનું આ આયોજન તા. 3થી 5 ઓક્ટોબર, દરમિયાન કુકમા ખાતે રામકૃષ્ણ ટ્રસ્ટમાં કરવામાં આવ્યું હતું. દેશનાં 10 ક્ષેત્રો અને 26 રાજ્યોમાંથી કુલ 60 સહભાગીઓએ તેમા ભાગ લીધો હતો.
ઉદ્ઘાટન સત્રમાં અખિલ ભારતીય પર્યાવરણ ગતિવિધિના રાષ્ટ્રીય સંયોજક દેવેન્દ્રભાઈએ સહભાગીઓનો પરિચય કરાવી સ્વાગત કર્યું હતું. તેમણે કાર્યશાળાના ઉદ્દેશ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર વર્ષ માટે પર્યાવરણલક્ષી કાર્યયોજના તૈયાર કરવી અને અગાઉનાં વર્ષોમાં હાથ ધરાયેલી પર્યાવરણીય પ્રવૃત્તિઓ તથા પહેલોના અનુભવોની પરસ્પર આપ-લે કરવી એ આ આયોજનનો મુખ્ય હેતુ છે.
મુખ્ય વક્તા રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનોજભાઈ સોલંકીએ પર્યાવરણ સંરક્ષણ, પ્રકૃતિ સાથેનું જોડાણ અને પર્યાવરણના જતન તથા સંવર્ધનની આવશ્યકતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણ અને પ્રકૃતિની સંભાળ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવું જરૂરી બન્યું છે. ભૂતકાળમાં માનવજીવન પ્રકૃતિ સાથે વધુ સુમેળભર્યું હતું, જ્યારે આધુનિક જીવનશૈલીએ અનેક સુવિધાઓ પૂરી પાડી હોવા છતાં પ્રકૃતિ પર તેની વિપરીત અસરોને સંતુલિત કરવાની જવાબદારી પણ આપણી જ છે. વિદ્યાભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ગોવિંદચંદ મહતોએ જણાવ્યું હતું કે કોઈપણ મોટા પરિવર્તન માટે સામાજિક સહભાગિતા અનિવાર્ય છે. દરેક પરિવર્તનની શરૂઆત વ્યક્તિથી થાય છે અને વ્યક્તિની સકારાત્મક પહેલ પરિવારથી સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી સમગ્ર વિશ્વ સુધી પરિવર્તન લાવી શકે છે.
કાર્યશાળામાં વિદ્યાભારતીના પર્યાવરણ વિભાગ દ્વારા દેશભરમાં આવેલા 30 હજાર એકમોમાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સોલાર પેનલનો ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ, પ્લાસ્ટિકમુક્ત પરિસર, વૃક્ષારોપણ, કચરા વ્યવસ્થાપન, સાઇકલનો ઉપયોગ વધારવો, ઊર્જાની બચત અને કાગળનો બગાડ અટકાવવા જેવી પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યશાળા દરમિયાન દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓએ રામકૃષ્ણ ટ્રસ્ટ ખાતે ચાલતી વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી તેના અનુભવો મેળવ્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિઓને પોતાના કાર્યક્ષેત્રમાં અમલમાં મૂકવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસીય કાર્યશાળા માટે વિદ્યાભારતી ગુજરાતના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ વિભાગના અધ્યક્ષ અને કચ્છ વિકાસ સંઘના ટ્રસ્ટી ડો. પંકજભાઈ શાહના નેતૃત્વમાં ઉષાબા ચુડાસમા, અશ્વિનભાઈ પટેલ, નારણભાઈ ઓઢાણા, સુધાભાઈ વસાયા તથા નારણજીભાઈ ચુડાસમાએ વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી.