ભુજમાં નિઃશુલ્ક નમો નવરાત્રીનો રંગ જામ્યો

જાણીતા કલાકારો સાથે દાંડિયા અને ગરબાની. જમાવટ

જિલ્લા મથક ભુજમાં એકબાજુ મોટા ગજાની અને હાઇફાઈ વ્યવસાયી નવરાત્રીની શરૂઆત વચ્ચે પ્રમુખ સ્વામી નગર આશાપુરા મંદિર ખાતે જાણીતી એવી પૂર્ણપણે નિઃશુલ્ક નમો નવરાત્રીનો પરંપરાગત રીતે દબદબાભેર આરંભ કરાયો હતો. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, લક્કી ગ્રૂપ, રાજપૂત કરણી સેના, સ્વ. નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા ટ્રસ્ટ તથા શ્રી આશાપુરા સેવા સમિતિ સહિતની પાંચ સંસ્થા દ્વારા આ નમો નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે રાત્રે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલએ દીપ પ્રગટાવીને નમો નવરાત્રીનો પ્રારંભ કરાવાયો હતો. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના ઉપાદયક્ષા બિંદીયાબેન ઠક્કર, ભુજ જથ્થાબંધ બઝારના પ્રમુખ મેહુલ ઠક્કર ઉપરાંત રાજકિય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો વિરભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અર્પિત ઠક્કર, કુશલ ઠક્કર, નયન ડુડિયા, જયદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ નવરાત્રી તદ્દન નિઃશુલ્ક છે. જેમાં સૌ ભાગ લઈ શકે છે. ગરબીના પરિસરમાં દર્શકો માટે બેસવાની અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. દરમ્યાન નવરાત્રીના પ્રથમ દિવસથી જ હાઇફાઈ સાઉન્ડ સિસ્ટમના સંગાથે રાજ્યના જાણીતા કલાકારો સંગીતાબેન લાબડીયા, દિવાળીબેન આહીર, અલવિરા મીર અને બ્રિજરાજ લાબડીયા સાથે સાજીંદાઓ દ્વારા ગીત, સંગીત અને ગરબાની જમાવટ કરી હતી. પ્રથમ દિવસે નોંધપાત્ર સંખ્યામાં ખેલૈયાઓ દાંડિયા અને ગરબે રમ્યા હતા.