નમો કેમ્પએ ત્રીસેક હજાર પદયાત્રીની સેવાનું ભાથું બાંધ્યું

વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ સેવાકાર્ય બિરદાવી શુભેચ્છા પાઠવી

માતાનામઢ જતા પદયાત્રીઓની સેવા માટે ભુજમાં આર.ટી.ઓ. સાઇટ ખાતે શરૂ કરાયેલા નમો કેમ્પનો બુધવાર સાંજ સુધી અંદાજીત ત્રીસેક હજાર યાત્રીઓએ લાભ લીધો હતો. સેવાના આ આયોજનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રશંસા કરીને કેમ્પને શુભકામનાઓ પાઠવી હતી.
બુધવારે નમો કેમ્પની ગઢશીશા અંબાધામના ચંદુમાએ મુલાકાત લઈને આશીર્વાદ આપ્યા હતા. તેમણે યાત્રીઓની સેવાની સાથોસાથ આયોજકો દ્વારા થઈ રહેલા ધાર્મિક, સામાજિક અને જીવદયા સહિતના ઉપયોગી કાર્યોની સરાહના કરી હતી. ભુજ લોહાણા મહાજનના પ્રતિનિધિઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાના હોદેદારો વગેરે પણ કેમ્પની મુલાકાત લઈ આરતી સહિતના કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.
દર બે કલાકે મેનુમાં બદલાવ અને લાઈવ જ્યુસ સાથેની આ કેમ્પની અનેરી બનેલી ઓળખ આ વખતે પણ કાયમ રહી છે. તો મોટા ગજાના કલાકારો અને સાજીંદાઓ સાથે યોજાતા સાંસ્કૃતિક, ધાર્મિક અને રાસગરબાના કાર્યક્રમોની જમાવટ પણ અવિરત રખાઈ છે. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, કરણી સેના, નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રૂપ અને લક્કી ગ્રુપ ભુજના સંયુક્ત ઉપક્રમે માતાનામઢ જતા પદયાત્રીઓ માટેના આધુનિક સુવિધાથી સજ્જ આ કેમ્પનું આયોજન સંચાલન કરાઈ રહ્યું છે. આયોજક સંસ્થાઓનાં જયેશ સચદે , રાજેશ પલણ , અર્પિત ઠક્કર, કુશલ ઠક્કર, કૈલાશભાઈ ગણાત્રા, વીરભદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, શ્યામ ઠક્કર, અરવિંદ ઠક્કર, નયન ડુડિયા, રાહુલ રબારી, ચેતન ઠક્કર, સંજય ત્રિપાઠી, ચેતન કતીરા, મેહુલ ગણાત્રા, ઓમ ઠક્કર વગેરે આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
દરમ્યાન નમો કેમ્પની સેવાઓને બીરદાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાજ્ય સરકારના વર્તમાન મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પ્રદ્યુમન વાજા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને માલતીબેન મહેશ્વરી, માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્ર ભાઈ પ્રજાપતિ વગેરેએ શુભેચ્છા પાઠવી હતી. પદયાત્રીઓની વધુ સેવા આ કેમ્પના માધ્યમથી થાય તેવી લાગણી તેઓએ. વ્યક્ત કરી હતી