પોલીસ તપાસમાં રોયલ્ટી કરતાં વધુ જથ્થો મળ્યો, 51.08 લાખના દંડ માટે કાર્યવાહી
ખનીજ ચોરી અને અનધિકૃત ખનીજ સંગ્રહને નેસ્તનાબૂદ કરવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા અબડાસાના રાયધણજર ગામે મોટી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.રાયધણજર ગામમાં એક રજિસ્ટર્ડ પ્લોટમાં રોયલ્ટી કરતાં વધુ પ્રમાણમાં બેન્ટોનાઈટનો જથ્થો સંગ્રહ કરાયો હોવાની બાતમી અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ખાણ-ખનીજ કચેરીના સ્ટાફને સાથે રાખી સંયુક્ત તપાસ હાથ ધરી હતી. સ્થળ પર મળેલા અલી અસગર હાલેપોત્રાની હાજરીમાં રજિસ્ટર્ડ પ્લોટના દસ્તાવેજો, ક્લોઝિંગ સ્ટોક તથા અન્ય વિગતોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોયલ્ટી કરતાં વધુ 9,595.10 મેટ્રિક ટન બેન્ટોનાઈટ ખનીજનો જથ્થો ટ્રાન્ઝિટ પાસ વિના અનધિકૃત રીતે સંગ્રહિત હોવાનું સપાટીએ આવ્યું હતું. તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું. નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 51,08,432નો દંડ વસૂલ કરાવવા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી ખનીજ સંગ્રહ અંગેના દસ્તાવેજો અને વાસ્તવિક જથ્થા વચ્ચેની ગેરરીતિ સામે આવી છે. તો બોક્સાઈટનું ગેરકાયદે ખનન, અનધિકૃત સંગ્રહ અને પ્રોસેસિંગ કરતાં વાડા તથા કિલન પ્લાન્ટો સહિતના મુદ્દા ઉભરી આવ્યા છે.

