રાજ્યપાલએ મોટા કપાયામાં ખેડૂતો સાથે કર્યો સંવાદ

​પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન વધે

કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ વાલાણીના નર નારાયણ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઇ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ધરતીપુત્રોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે દિનેશભાઈના ખેતરમાં લહેરાતા કેળ, શેરડી, મકાઈ, અંજીર, પપૈયા અને તુવેરના ઉત્કૃષ્ટ પાકો એ વાતની સાબિતી આપે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં સહેજ પણ ઘટાડો થતો નથી, પરંતુ ખર્ચ શૂન્ય થઈ જાય છે અને નફો વધે છે. રાજ્યપાલએ કહ્યું હતું કે, સામાન્ય છાણીયા ખાતરની સરખામણીએ દેશી ગાયના ગોબર-ગૌમૂત્રના મેળવણથી બનતા ઘન જીવામૃતમાં વધુ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, આ સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાં જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે છે, જમીનને પોચી બનાવે છે અને ભેજ સંગ્રહશક્તિ વધારે છે. રાજ્યપાલએ હરીશભાઈ ઠક્કર, મનોજભાઈ સોલંકી, રતિલાલભાઈ શેઠિયા અને દિનેશભાઈ વાલાણી જેવા પ્રગતિશીલ ખેડૂતોને યુગદ્રષ્ટા કહ્યાં હતાં. તેમણે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી ધરતી માતાનું રક્ષણ કરવા અને સમૃદ્ધ બનવા હાકલ કરી હતી. ​આ તકે ફાર્મ ખાતે નરનારાયણ બાગ – ગાય આધારિત ખેતી ઉત્પાદનો તેમજ શ્રીજી ગૃહઉદ્યોગ અંતર્ગત ઉત્પાદિત કાચી ઘાણીના તેલ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવચરણ સ્વામી, કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.