ભુજના જયુબિલી મેદાન ખાતેથી ગુરુવારે સવારે માર્ગ સલામતી કાર્યક્રમ તળે બાઇક રેલી યોજાઈ હતી. માર્ગ અકસ્માતો અટકાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં પોલીસ કર્મચારીઓ, આરટીઓ સ્ટાફ તેમજ સામાન્ય નાગરિકોએ ભાગ લીધો હતો. રેલીમાં જોડાયેલા લોકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતી અંગેનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. હેલ્મેટનો ઉપયોગ, સીટ બેલ્ટ પહેરવો અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવાથી માર્ગ અકસ્માતોમાં થતી ગંભીર ઇજાઓનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. તેવું તેમણે કહ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, આરટીઓ અધિકારી સી.આઈ. ગઢવી, ભાજપના મીત ઠક્કર અને જે.વી. ચૌધરી સહિતના આગેવાનો અને પોલીસ, આર.ટી.ઓ. અધિકારીઓએ ઝંડી બતાવી રેલીને સ્ટાર્ટ આપ્યો હતો. માર્ગ સલામતી રેલી દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ માર્ગ પર પોતાની અને અન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા શીખ અપાઈ હતી.
ભુજમાં માર્ગ સલામતી અંતર્ગત યોજાઈ બાઇક રેલી

