તંત્રએ હરકતમાં આવી ફસાયેલી માછલીઓ મુક્ત કરવી
સારા વરસાદના પગલે નવા નીરની આવક થવા વચ્ચે ભુજના હદયસમાં હમીરસર તળાવમાં માછીમારી માટે જાળ નાખવામાં આવતા અનેક માછલીઓ ફસાઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જેને લઈને જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. હમીરસર તળાવમાં માછીમારીના ઇરાદે નખાયેલી જાળમાં માછલીઓ હોવાની જાણ થતાં જાગૃત નાગરિકોએ ભુજ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આ પછી તંત્ર હરકતમાં આવ્યું હતું. ફાયરબ્રિગેડ ટુકડીએ તળાવમાં બચાવ કામગીરી સાથેનું ઓપરેશન હાથ ધર્યું હતું. જાળમાં ફસાઇ ચુકેલી અનેક માછલીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ માછલીઓને પુન તળાવમાં છોડવામાં આવી હતી.
હમીરસર તળાવમાં ગેરકાયદેસર માછીમારીની આ પ્રથમ ઘટના નથી. આ પ્રકારના અન્ય બનાવો ભૂતકાળમાં પકડાઈ ચુક્યા છે. આવી પ્રવૃત્તિ સામે પગલાં ભરવાની જીવદયાપ્રેમીઓની ઘટનાના પગલે માંગ દોહરાવી હતી. દરમ્યાન જાગૃતો અને જીવદયા સંલગ્ન વ્યક્તિઓએ આ કિસ્સા બાદ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે હમીરસર તળાવમાં હજુ પણ રઘુનાથજીના આરાથી પંચહટડી તરફની લાઈનમાં જાળ નખાયેલી હોવાની શંકા છે. આ બાબતે પણ કાર્યવાહી કરવા તેમણે કહ્યું હતું.

