આડેસરમાં આકાશી વીજળી પડતાં યુવાનનું મોત

ત્રણ માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

રાપર તાલુકામા આડેસર ગામે આકાશી વીજળી પડવાથી યુવાનનું મોત નીપજ્યું હતું આડેસર ગ્રામ પંચાયતના સત્તાવાર અહેવાલ મુજબ તા. ૧૪ સપ્ટેમ્બરના સાંજે આશરે ૭:૩૦ વાગ્યાના સુમારે અચાનક વીજળી ત્રાટકતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ કુદરતી હોનારતમાં ગામના ૩૫ વર્ષીય યુવક જયંતિભાઈ ભવાનભાઈ પરમાર વીજળીની ઝપેટમાં આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક જયંતિભાઈ મોબાઇલ નેટવર્ક ટાવરના મેન્ટેનન્સનું કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ઘરમાં કમાનાર મોભીનું અચાનક મોત થતાં પરિવાર નોંધારો બન્યો છે. તેઓને સંતાનમાં માત્ર ત્રણ દીકરીઓ છે, જેમાં સૌથી મોટી દીકરી આઠ વર્ષની, તેથી નાની પાંચ વર્ષની અને સૌથી નાની દીકરી માત્ર દોઢ જ વર્ષની છે. પિતાની છત્રછાયા ગુમાવનાર આ ત્રણ માસૂમ દીકરીઓની સ્થિતિ જોઈને ગામલોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક બનાવ અંગે આડેસર ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી દ્વારા પ્રાથમિક અહેવાલ તૈયાર કરીને રાપર તાલુકા વિકાસ અધિકારને જાણ કરી હતી.