ભુજમાં ગણેશજીને ગાર્ડ ઓફ ઓનરની સલામી

પોલીસ વડા મથકે દસ દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ

ભુજમાં ગણેશ ચતુર્થીના પર્વે પોલીસ હેડક્વાર્ટર પરિસરમાં પોલીસ પરિવાર દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ ગણેશજીની મૂર્તિને ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી સન્માનપૂર્વક પંડાલમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
મૂર્તિની સ્થાપના બાદ વિધિવત પૂજન અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરપીઆઈ રમેશભાઈ રતાડા, કરણભાઈ કાગ, મેજર સંજયભાઈ દાવડા સહિત પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશજી પંડાલમાં બિરાજમાન થતાં જ જાણે મેઘરાજાએ પણ વિઘ્નહર્તાના આગમનનું સ્વાગત કર્યું હોય તેમ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે સમગ્ર વાતાવરણ વધુ ભક્તિમય અને મંગળમય બની ગયું હતું.
ભુજ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાતા ગણેશ મહોત્સવની વિશેષતા એ છે કે અહીં ભગવાન ગણેશજીનું આગમન માત્ર ધાર્મિક શ્રદ્ધા સાથે નહીં, પરંતુ પોલીસ પરંપરા અને પૂર્ણ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનરની સલામી આપીને કરવામાં આવે છે. આ અનોખી પરંપરા પોલીસ પરિવારની શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથેના જોડાણનું પ્રતીક બની છે.
આ દસ દિવસીય ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસ હેડક્વાર્ટર ખાતે દરરોજ સાંજે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.