ગાગોદરમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ, 2.65 લાખનો માલ કબજે

પોલીસે વોચ ગોઠવી કાર ચાલકની કરી ધરપકડ, સાગરીતનું નામ ખુલ્યું

પૂર્વ કચ્છના ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ દરમિયાન પોલીસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી .2.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ હસુમુખભાઈ હિરાભાઈ સેધવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ તા.12 સપ્ટેમ્બરના રાત્રિના સમયે નાઈટ રાઉન્ડ દરમિયાન બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કાર દારૂ ભરી પદમપરથી કિડિયાનગર તરફ આવવાની છે.બાતમીના આધારે પોલીસ સ્ટાફે વેકરા પીરની દરગાહ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન આવેલી કારને રોકવાનો ઈશારો કરતાં ચાલકે કાર ઉભી ન રાખી રોડની નીચે ઉતારી આગળ હંકારી હતી. કાર બમ્પ થતાં ઉભી રહી જતા પોલીસે ચાલકને ઝડપી લીધો હતો. પૂછપરછમાં ચાલકે પોતાનું નામ કરમણભાઈ દેવાભાઈ કોલી ફુલપરા, તા. રાપર હોવાનું જણાવ્યું હતું. કારની તપાસ કરતાં દારૂની નાની બોટલો તથા બિયરના ટીન 372 નંગ મળ્યા હતા. તેમ પોલીસે જણાવ્યું હતું. આરોપીની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો સાહેબજી સોઢા પાસેથી આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.