વર્ષ દરમ્યાન સામાજિક, ધાર્મિક અને રચનાત્મક સહિતના ઉપયોગી કાર્યો કરતા ભુજના પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા 18મો ગણેશ ઉત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવથી પરંપરાગત રીતે યોજાશે. ભુજના વ્યાયામ શાળા મેદાન ખાતે 14 થી 20 સપ્ટેમ્બર દરમ્યાન આ સાત દિવસીય ગણેશોત્સવ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે દુંદાળા દેવની આરાધના કરાશે.
સાત દિવસના મહોત્સવની વિગતો આપતા આયોજકોએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસ તા. 14, સોમવારે સવારે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ગણેશ સ્થાપના કરશે. દિતિય દિવસે મંગળવારે રાત્રે આઠ વાગ્યે મહાઆરતી યોજાશે. બુધવારે સાંજે આનંદ મેળો , ગુરુવારે રાત્રે મ્યુઝિકલ હાઉઝી, શુક્રવારે રાત્રે મહાપ્રસાદ, શનિવાર તા. 19મીના બપોરે સત્યનારાયણ ભગવાનની કથા અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને 20મી તારીખે સવારે 10 વાગ્યે મહાઆરતી બાદ બપોરે એક વાગ્યે વિસર્જન કાર્યક્રમ યોજાશે. મહોત્સવ દરમ્યાન તા. 14 થી 19 સુધી દરરોજ રાત્રે આઠ વાગ્યે મહાઆરતી યોજવામાં આવશે. દરમ્યાન આ ઉજવણી અંતર્ગત તા. 18મીના શુક્રવારે રાત્રે 10 વાગ્યે લોક સાહિત્યકાર રાજેશ ગઢવી અને ભજનિક ગોપાલ સાધુ સહિતના કલાકારોની સંતવાણી શ્યામ સાઉન્ડ દેશાલપરના સથવારે યોજાશે. આ નિમિતે મહારુદ્રાણી જાગીરના મહંત લાલગીરી બાપુની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
મહોત્સવ માટે મૂર્તિના દાતા તરીકેનો સહયોગ કિરણભાઈ ટેકચંદ પુરોહિત દ્વારા મળ્યો છે. જ્યારે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રસિંહ જુવાનસિંહ જેઠવા, ભુજ તાલુકા ભાજપના ઉપપ્રમુખ દીપક શામજીભાઈ ડાંગર, નિવૃત નાયબ કલેકટર હિમતસિંહ ભગવતસિંહ સોઢા તથા ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા સહિતના સહયોગી દાતાઓનો પણ મહોત્સવ માટે સહયોગ મળ્યો છે. તેવું મંડળે જણાવ્યું હતું.
ભુજમાં પાતાળેશ્વર યુવક મંડળ યોજશે ગણેશોત્સવ

