ગાંધીધામના ૬૫ વર્ષીય હતભાગીની લાશ મોઢવા કાંઠે મળી
માંડવી તાલુકાના ધ્રબુડી તીર્થના દરિયા કિનારે પૂજા કરવા ગયેલા ગાંધીધામના ૬૫ વર્ષીય વૃદ્ધ દરિયામાં તણાઇ જતાં તેમનું મોત થયું હતું. દરિયામાં તણાયેલા આ વૃદ્ધની લાશ મોઢવા ગામના દરિયા કાંઠા પરથી મળી હતી. માંડવી મરિન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૧ સપ્ટેમ્બરના સવારે ૧૧:૩૦થી સાંજે ૬:૩૦ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગાંધીધામ ખાતે રહેતા નરેન્દ્રભાઇ ગોપાલજી પરમાર (ઉ.વ. ૬૫) ધ્રબુડી બીચ પર પૂજા કરવા માટે ગયા હતા. તેઓ દરિયામાં ગયા હતા, જ્યાં અકસ્માતે પાણીમાં તણાઇ ગયા હતા. તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ હતભાગીની લાશ મોઢવા ગામના કાંઠા પરથી મળી આવી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા માંડવી મરિન પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી બનાવ અંગેનું પંચનામું કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

