ચર્ચાસ્પદ કેસમાં ભુજ ખાસ કોર્ટનો આદેશ
મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં પકડાયેલા આરોપી મલકિતસિંગ ગુરબીતસિંગના નિયમિત જામીન ભુજની ખાસ (એન.ડી.પી.એસ.) કોર્ટ દ્વારા મંજૂર કરાયા હતા. આ કેસની પૂર્વ વિગત મુજબ, આરોપી મલકિતસિંગ ગુરબીતસિંગ (ઉં.વ. ૩૮, મુન્દ્રા મૂળ પંજાબ) સામે મુન્દ્રા પોલીસ સ્ટેશનમા એન.ડી.પી.એસ. એક્ટ કલમ મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીએ પોતાના મિત્ર અન્ય આરોપી પાસેથી આશરે ૧૨ ગ્રામ માદક પદાર્થ હેરોઇન મેળવ્યું હતું. ત્યારબાદ આર્થિક ફાયદા સારૂ આ હેરોઇનનું વેચાણ કરવાના ઇરાદે તેઓ હેરફેર કરી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ૧૨ ગ્રામ હેરોઇન સહિત કુલ રૂ. ૨,૫૮,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જામીન અરજીના આ કેસમાં આરોપી તરફથી ભુજના એડવોકેટ કુલદીપ જીતેન્દ્રભાઈ મહેતા હાજર રહ્યા હતા અને તેમણે કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. અદાલતે બન્ને પક્ષોની દલીલો અને કેસની પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોપી મલકિતસિંગના જામીન મંજૂર કરી, તેને જેલમુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

