જુગારની તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો

ગાળો આપી ઝપાઝપી, યુનિફોર્મનાં બટન-કોલર-બેઝ ફાડી નાખ્યા

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકની ટીમ પર ફરજ દરમિયાન હુમલો કરી મારામારી થયાની ફરિયાદ નોંધાઈ છે. કેસના ફરિયાદી હેડ.કોન્સ. કિરણભાઈ નીલાભાઈ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. 02/09/ના રાત્રે કંટ્રોલ રૂમની વર્ધી આધારે મહાદેવનગર-1, રામદેવપીરના મંદિર પાસે અમુક ઇસમો શેરીમાં જુગાર રમતા હોવાની જાણ મળી હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. એક ઘરની બહાર પહોંચતાં મહિલા જયોતીબેન અશોકભાઈ રોહિત, પુરુષ અશોકભાઈ રામજીભાઈ રોહિત તથા સ્મિત નરેન્દ્રભાઈ ચાવડા મળી આવ્યા હતા. અશોકભાઈએ પોલીસને ગાળો આપી ઝપાઝપી કરી હતી. બાદમાં જયોતીબેન તથા સ્મિતે પણ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ફરિયાદ અનુસાર સ્મિત તથા અશોકભાઈએ પોલીસકર્મીઓના યુનિફોર્મના બટન, કોલર અને બેઝ ખેંચી ફાડી નાખ્યા હતા તથા કિરણભાઈને જમીન પર પાડી હાથ-પગથી માર માર્યો હતો. મહિલા પો.કોન્સ. ક્રિયાબેનના વાળ પકડી ખેંચી જમીન પર પાડી માર પણ મરાયો હતો. આ ઘટનામાં પોલીસ અશોકને પકડી પોલીસ સ્ટેશને લાવી હતી. જ્યારે સ્મિત ભાગી ગયો હતો પોલીસ સ્ટેશનમાં પણ અશોકભાઈએ પી.એસ.ઓ. કિરણભાઈ વસૈયાને ગાળો બોલ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તો બોડી વોર્ન કેમેરામાં આ બનાવ રેકોર્ડ થયેલો હોવાનું પણ જણાવાયું છે.