આવનારી પેઢીને શિક્ષિત, દિક્ષિત કરવાની જવાબદારી શિક્ષકોની

ભુજમાં જિલ્લા અને તાલુકાઓના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ભુજ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજીત કચ્છ જિલ્લા “શ્રેષ્ઠ શિક્ષક” પારિતોષિક એનાયત સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ૪ શિક્ષકોને એવોર્ડ એનાયત કરાયા હતા જ્યારે તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ૯ શિક્ષકોને એવોર્ડ તથા રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા.
શિક્ષકદિન નિમિત્તે આયોજીત આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી છાંગાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષક ભાઈ-બહેનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના શિક્ષકો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે, જે તેમની નિષ્ઠા અને સખત મહેનત દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જગતમાં શિક્ષકનું કામ સૌથી પવિત્ર છે. વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવા માટે નવી પેઢીને શિક્ષિત અને દિક્ષિત કરવાની જવાબદારી શિક્ષકોની છે.
તેમણે કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ નિવારવા માટે “નોકરી ત્યાં નિવૃત્તિ”ના નિયમ સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આનાથી આવનારા સમયમાં કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈ જશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના બાળકો જ ભારતના સાચા ઘડવૈયા છે. દેશનું ભવિષ્ય તેમના હાથમાં છે, તેથી તેમને માત્ર અક્ષરજ્ઞાન જ નહીં પરંતુ સાચા સંસ્કારો આપવા જોઈએ. સમાજ અને સંસ્કૃતિને સુરક્ષિત અને સક્ષમ રાખવાની મોટી જવાબદારી શિક્ષકોના શિરે રહેલી છે.
આ પ્રસંગે જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે ભુજ માતૃછાયા કન્યા વિદ્યાલયના ભાવિનીબેન ત્રિપાઠી, નિરોણાના પી.એ.હાઇસ્કુલના આચાર્ય ડૉ .વિષ્ણુભાઇ ચૌધરી, ભુજ શાળા નંબર.૧૦ ના ડૉ.હેતલબેન ગોસ્વામી, ચોબારી (મોમાયમોરા) પ્રાથમિક શાળાના શંકરલાલ ગામોટને પારિતોષિક એનાયત કરાયા હતા. તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે મુંદરા તાલુકાના જબલપુર પ્રાથમિક શાળાના જીગરકુમાર પટેલ તથા ઝરપરા શાળા નંબર.૨ના વૈશાલીબેન હડિયા, ભચાઉ તાલુકાના અમરસર પ્રા.શાળાના અમીબેન ચનિયારા તથા સીતારામપુર પ્રા.શાળાના મહેશકુમાર બાલાસરા, લખપત તાલુકાના ગુનેરી પ્રા.શાળાના હિતેશકુમાર ચૌધરી, કલરાવાંઢ પ્રા.શાળાના ગોવિંદભાઇ કુંભાર, માંડવી તાલુકાના તાલુકા ગ્રુપશાળા નં.૧ના જ્યોત્સનાબેન ખત્રી તથા પાંચટીયા પ્રા.શાળાના રતનજી પઢીયાર તેમજ રાપર તાલુકાના બાલાસર કન્યા પ્રા.શાળાના મહેશકુમાર બાલાસરાનું સન્માન કરાયું હતું.  એવોર્ડ વિજેતા શિક્ષકોએ પોતાના પ્રતિભાવો વ્યકત કરીને શિક્ષક તરીકેની જવાબદારી વધુ સુપેરે નિભાવીને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.  જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન દિનેશભાઇ રૂડાણી, શાસ્ત્રી હરિવલ્લભ દાસજી, શાસ્ત્રી અક્ષરમુક્તદાસજી, શાસ્ત્રી ધર્મવિહારીદાસજી, ટ્રસ્ટી જગદીશભાઇ વાઘાણી, લક્ષ્મણભાઇ હિરાણી, મનન ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશદાન ગઢવી, શાળા આચાર્ય સુરેશભાઇ પટેલ તથા શિક્ષક સંગઠનોના પ્રમુખ તથા હોદેદારો તેમજ કચ્છભરમાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમનું  સંચાલન  ભૂમિબેન ચોક્સીએ કર્યું હતું.