માંડવી દરજી જ્ઞાતિએ કર્યું સરસ્વતી સન્માન

સમય મુજબ શિક્ષણની રાહે ચાલવા માટે હાકલ

માંડવી શહેરની મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને માંડવી સહયોગ ,શિક્ષા અને સંસ્કાર સમિતિ તરફથી સત્કારવાનો કાર્યક્રમ દરજી જ્ઞાતિની વાડીમાં સંપન્ન થયો હતો. જ્ઞાતિના સુકાની પ્રમુખ ભુપેનભાઈ પરમાર, મહિલા મંડળના પ્રમુખ રૂપાલીબેન પરમાર, ગરબી મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ પરમાર અને શિક્ષણ સમિતિના પ્રમુખ દિલેનભાઈ સોલંકી અને આમંત્રિત અતિથિ વિશેષો મુન્દ્રા જ્ઞાતિના પ્રમુખ અલ્પેશભાઈ સોલંકી,મુન્દ્રા શિક્ષણ સમિતિના પ્રમુખ નિલેશભાઈ પરમાર, કંઠી ચોખરાના પ્રમુખ વતી આવેલા અમૂલભાઈ પીઠડીયા,પશ્ચિમ કચ્છ આરોગ્ય અને શૈક્ષણિક ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ મોઢએ સમારંભનો પ્રારંભ કરાવ્યો હતો. મહેમાનોનું અભિવાદન નયનભાઈએ કર્યું હતું. કુશળતા માંગી લેતો, દિમાગને કસીને સમાજને શણગારતો.. દરજીનો વ્યવસાય ગૌરવપૂર્ણ છે જ, પરંતુ હવે યુગની તાતી જરૂરિયાત સમ શિક્ષણનું મહત્ત્વ સમજી ,તેના માટે સખત પ્રયાસો કરી… “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે” એ ઉક્તિને મહાત કરી આપણા સમાજમાં પણ ક્લાસ વન ટુ અધિકારીઓની સમકક્ષ ડિગ્રીઓ ઉપરાંત સી.એ., શિક્ષક ,એન્જિનિયર, ડોક્ટર, વકીલ જેવા વ્યવસાયો સાથે યુવાનો મહેનત કરી અગ્રેસર રહ્યા છે ..જે આપણા માટે ગૌરવની ઘટનાઓ છે જ, પરંતુ ભાવિ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદીપ સમાન છે ..આવા ઉદગારો સાથે શિક્ષણ સમિતિના પ્રમુખ દિલેનભાઈએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાલવાટિકા થી માંડી વ્યવસાયલક્ષી ડિગ્રીઓ પ્રાપ્ત વિદ્યાર્થીઓને દાતાઓ અને અતિથિવિશેષના હસ્તે સન્માનવામાં આવ્યા હતા. સાથે પંચવર્ષીય ઈનામી યોજનાના દિલેર દાતાઓના હરખને સન્માનિત કરી વધાવવામાં આવ્યા.
નવનિર્મિત ઓમકારેશ્વર હોલની સમાજને અર્પણવિધિ આગામી તારીખ 12 /13 સપ્ટેમ્બરના નક્કી થતાં ઉદ્ઘાટન સમારોહની જાહેરાત નયનભાઈએ કરી હતી. હોલની સુવિધાઓ માટે પણ દાતાઓએ પોતાના પરસેવાનું ધન સમાજ સેવા માટે અર્પણ કરવાની જાહેરાતો કરી હતી. સમિતિના નવા બનેલા સભ્યોની ઘોષણા કરતા દીપાબેન ચૌહાણે સૌને આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ શિક્ષણ સમિતિના સભ્યોએ સહિયારા પ્રયાસોથી કરી હતી.