લુણીમાં માસક્ષમણ પારણોત્સવ સંપન્ન

શાંતિલાલભાઈ સોનીએ હેટ્રિક નિર્વિઘ્ને પૂર્ણ કરી

કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક તારાચંદમુનિ મ.સા. અને તેમના શિષ્યો પ્રશાંતમુની અને સમર્પણમુનિ મ.સાની હાજરીમાં મુન્દ્રા તાલુકાના લુણી ગામમાં માસક્ષમણના તપનો પારણોત્સવ સંપન્ન થયો હતો. ૬૪ વર્ષીય શાંતિલાલભાઈ કુંવરજીભાઈ લખમશીભાઈએ તા.૦૧-૦૮થી આ તપનો શુભારંભ કર્યો હતો. જે નિર્વિઘ્ને સંપન્ન થતાં પારણું કર્યું હતું. શાંતિલાલભાઈના મુંબઈથી આવેલ પુત્ર બોની, કાકાની દીકરી દમયંતીબેન શેઠીયા, ભાઈ જીતેન્દ્રભાઈ કુંવરજીભાઈ સોની અને બનેવી ચુનીલાલભાઈ શેઠિયા (વડાલા તા.મુન્દ્રા) ના હસ્તે પારણું કરાયું હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. પારણાના દિવસે સવારના ઉવ્વસગહરં સ્તોત્ર જાપનો કાર્યક્રમ યોજાયો હતો. બહેનોએ પારણાના ગીતો ગાઈને પસ ભરાવી હતી. તપસ્વીના બહુમાન બાદ આઠ કોટી મોટીપક્ષના ધર્મસ્થાનકેથી તપસ્વીનો વરઘોડો નીકળ્યો હતો.