ગાંધીનગર ખાતે કાર્યક્રમ, કચ્છ છવાયું
ગાંધીનગર ખાતે યોજાયેલી ‘વેસ્ટ ઝોન પેડીકોન-૨૦૨૬’ કોન્ફરન્સમાં કચ્છના બાળરોગ નિષ્ણાતોનો દબદબો રહ્યો હતો. તાજેતરમાં ગાંધીનગર ખાતે બાળરોગ નિષ્ણાતોના જ્ઞાનવર્ધન અને લેટેસ્ટ નોલેજ અપડેટ માટે આ ત્રિદિવસીય વેસ્ટ ઝોન પેડીકોન – ૨૦૨૬ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યના બાળરોગ નિષ્ણાતોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમની સાથે જ નવજાત શિશુઓના નિષ્ણાતો માટે ગુજરાત રાજ્ય સ્તરની કોન્ફરન્સ “ગુજનીયોકોન – ૨૦૨૬” પણ સંયુક્ત રીતે યોજવામાં આવી હતી. ૪૦૦થી વધુ ડેલિગેટ્સની ઉપસ્થિતિ સાથે આ સંયુક્ત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં વક્તા તરીકે કચ્છના ત્રણ બાળરોગ અને નવજાત શિશુ નિષ્ણાતોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનાથી કચ્છ જિલ્લાનું બહુમાન વધ્યું છે. કચ્છના આ તબીબોએ વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડો. રાજેશ માહેશ્વરી (બાળરોગ નિષ્ણાત, ગાંધીધામ)એ ‘થેલેસેમિયા – ઇનોવેશન, ઇનસાઇટ એન્ડ ઇમ્પેક્ટ ઇન ૨૦૨૬ વિષય પર પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો. તો ડો. દેવેન્દ્ર ડાંગર (બાળરોગ નિષ્ણાત, ભુજ)ને ‘નવજાત શિશુઓમાં ફીડિંગની સમસ્યાઓ’ વિષય પરની પેનલ ડિસ્કશન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે ડો. સંદિપ ટીલવાણી (બાળરોગ નિષ્ણાત અને પ્રોફેસર, અદાણી મેડિકલ કોલેજ – ભુજ)એ ‘નવજાત શિશુઓમાં P.P.H.N.’ વિષય પર વર્કશોપ અને પેનલ ડિસ્કશનમાં પોતાનું માર્ગદર્શન આપ્યું હતું.

