ભુજ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભામાં વર્ચ્યુઅલી જોડાયા વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યના શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ભુજની લાલન કોલેજ ખાતે “વિકસિત ભારત સંકલ્પ” સભા યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યમંત્રીએ નાગરિકોને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત’ અને ‘નવા ભારત’ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘આયુષ્માન ભારત’ યોજના આજે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બની છે. આ યોજના થકી કરોડો પરિવારોને સ્વાસ્થ્ય સુરક્ષા મળી છે, વડાપ્રધાન શ્રી મોદીએ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાઈને નાગરિકોને વર્ષ ૨૦૪૭ સુધી ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પ માટે પ્રતિબદ્ધ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જીવંત પ્રસારણમાં કચ્છના ભૂકંપ અને ત્યારબાદ કચ્છના વિકાસને યાદ કરતા જણાવ્યું હતું કે, કચ્છની પુનઃનિર્માણની શક્તિ મારા જાહેર જીવનની સૌથી મોટી પ્રેરણા રહી છે.
ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે શપથ લઇને પોતાના યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સાસંદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપતિ શીતલભાઈ શાહ, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, આગેવાન દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, કલેક્ટર અનિલ રાણાવસિયા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર ડી.બી.ડવેરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સૂંડા સહિત જિલ્લાની નગરપાલિકાઓના પ્રમુખ, તાલુકા પંચાયતોના પ્રમુખ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતીના ચેરમેન સહિત વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

