ભુજ આશાપુરા મંદિરે આભૂષણોની ભાવભેર પરંપરાગત કરાઈ સફાઈ

જાણીતા નોબત વાદક શૈલેષ જાની રોજ સવારથી સાંજ ગાયો માટે વગાડશે અખંડ નોબત

ભુજ ભુજ આશાપુરા મંદિરમાં આસો માસની નવરાત્રી મહોત્સવ શરૂ થાય તે પહેલાં જ મંદિરમાં વિવિધ સેવા આપતા માતાજીના સેવકો અને કાર્યકરો દ્વારા સમગ્ર મંદિર સંકુલ, સભા મંડપ, ધર્મશાળા, હિમાલય દર્શન વગેરેની સાફ-સફાઈ કરવામાં આવી છે. નવરાત્રીના આગમન પહેલાંના છેલ્લા ત્રણ રવિવાર સોની કંસારા પરિવારના યુવાનો દ્વારા મંદિરના ચાંદીના દરવાજા, સિંહાસન, પછવાઈ, ભોગપાત્ર, છત્ર અને આભૂષણો વિદેશી પદ્ધતિથી સાફ કરી દર વખતની જેમ ચમકાવી આપવામાં આવ્યા છે. સફાઈ કાર્ય પૂરું થયા બાદ પૂજારી પરિવારના સભ્યો દ્વારા બધા જ ભગવાનની મૂર્તિઓને સિંદૂરનો વાઘો ચડાવી શણગાર કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેરિકેડ લગાવીને ભક્તો શિસ્તબદ્ધ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.
નવરાત્રી દરમિયાન મંદિરમાં રોજ વિવિધ સુગંધીદાર ફૂલોથી શણગાર કરવામાં આવશે. જેમાં કુત્રિમ ફૂલોનો ઉપયોગ બિલકુલ કરવામાં આવશે નહિ . માતાજીને દરરોજ અલગ-અલગ આભૂષણો ધારણ આવશે. માતાજીના ભક્તો જે પ્રસાદ લઈને આવે છે, તે સંપૂર્ણપણે માતાજી સમક્ષ ધરાવીને પાછો આપવામાં આવે છે. માર્કેટયાર્ડના વેપારી ભાઈઓ અને માના ભક્તો તરફથી નવરાત્રી દરમિયાન દરરોજ અંદાજે ૨૦૦ કિલો સુધી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. પદયાત્રીઓ માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં સુરેશભાઈનો મહતમ સ્તરનો સહયોગ મળે છે.
નવરાત્રીના પાવન પ્રસંગોની મંદિરે જાહેર કરેલી વિગતો મુજબ તા. 10/10ના ઘટસ્થાપન સાંજે ૭ કલાકે , તા. ૧૧/૧૦/પ્રથમ નવરાત્રી, તા. ૧૨/૧૦/ મંડપ દર્શન,
તા. ૧૬/૧૦/ રાત્રે હવન (હવન પ્રારંભ – રાત્રે ૯:૧૫ કલાકે, હોમ પ્રહૂતિ – રાત્રે ૧૨:૧૫ કલાકે), તા. ૧૭/૧૦/આઠમ – પત્રી પૂજન, મહાપૂજા, રાજપરિવારના સદસ્યો દ્વારા શૂલાષ્ટમી. પત્રી પૂજન બાદ અંદાજે ૭૦૦ કિલો લાપસીનો પ્રસાદ બનાવી માના ભક્તોને વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત, જાણીતા નોબત વાદક શૈલેષભાઈ જની દ્વારા દરરોજ ગાયોના ચારા અને પાંજરાપોળની સેવા અર્થે મંદિરના સવારે ૬ વાગ્યાથી સતત ૧૫ કલાક સુધી અવિરત નોબત વગાડવામાં આવશે. દરરોજ સાંજે ૭:૧૫ વાગ્યે મહાઆરતી બાદ ગરબા પણ આ નોબત વાદનના તાલે ગવાશે. મંદિરના ટ્રસ્ટીઓ ઉપરાંત મહંત પુજારી જનાર્દન દવે અને પુજારી કેવલ અને મારૂત દ્વારા સમગ્ર વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે.