ભાવનગર ઝેરી દારૂકાંડમાં ભુજનું જોડાણ

લાતુરથી આરોપી ઝડપાયો, પેકિંગ સામગ્રીની જવાબદારી હોવાનું ખુલ્યું

ભાવનગર જિલ્લાના ખરકડી ગામે ઓગસ્ત માસમાં મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાથી ૧૩ જણનાં મોત નિપજાવનારા ચકચારી કાંડમાં હવે ભુજ કનેક્શન બહાર આવ્યું છે. આ કેસમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મહેંદગઢના ૨૨ વર્ષીય લાડુરામ ઉર્ફે ગણેશ શ્યામલાલ ખારોલને મહારાષ્ટ્રના લાતુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા મુજબ લાડુરામ ખારોલ આ કાંડનો સહ-માસ્ટરમાઇન્ડ હતો અને ગેરકાયદે દારૂના પેકિંગ માટે જરૂરી સામગ્રીની વ્યવસ્થા તે કરતો હતો.
પોલીસે રાજસ્થાન એટીએસની મદદથી ૩૦ સપ્ટેમ્બરે તેની ધરપકડ કર્યા બાદ તેને ગુજરાત લવાયો હતો. તેને કોર્ટમાં રજૂ કરાતા ૮ ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ મંજુર કરાય હતા. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં આ ૪૨મી ધરપકડ છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે મૂળ ભીલવાડાનો લાદૂરામ થોડા સમય માટે મધ્યપ્રદેશના ધાર ગયો હતો. ત્યારબાદ તેણે ભુજમાં આઈસ્ક્રીમ પાર્લર, વડોદરામાં આઈસ્ક્રીમની લારી અને ગાંધીનગરમાં પાણીપુરીનો વ્યવસાય કર્યો હતો. ઓછા સમયમાં વધુ કમાણીની લાલચમાં તે ભુજના એક મોટા દારૂ તસ્કરના સંપર્કમાં આવ્યો અને ગેરકાયદે અંગ્રેજી દારૂના ધંધામાં જોડાયો હતો. બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો ભંગારવાળાઓ પાસેથી મેળવી તેમાં નકલી દારૂ ભરી પેકિંગ કરીને બજારમાં પહોંચાડવાની કામગીરી સાથે પણ તેનો સંબંધ સામે આવ્યો છે. ભાવનગર કાંડમાં તેની મુખ્ય ભૂમિકા પેકિંગ માટે જરૂરી સામગ્રી ભંગારવાળાઓ પાસેથી મેળવવાની હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઝેરી દારૂકાંડ બાદ લાડુરામ ગુજરાતમાંથી ફરાર થઈ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સહિતના રાજ્યોમાં ઠેકાણા બદલતો રહ્યો હતો. આખરે લાતુરમાં આઈસ્ક્રીમ ફેક્ટરીમાં તે હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો.