ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રવિવારે દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ કરાવશે

કીફાયતી રેલ સંચાલન ક્ષેત્રે મહત્વનું પગલું

ભારતીય રેલવેએ કિફાયતી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ 27 સપ્ટેમ્બર 2026 રવિવારે અમદાવાદ સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો પ્રારંભ કરાવશે.
આ પહેલ ભારતીય રેલવેમાં ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ પરંપરાગત ડીઝલ ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું બતાવાઈ રહ્યું છે. ભારતીય રેલવેમાં પ્રથમ વખત ટ્રેનના ડ્રાઇવિંગ પાવર કારમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ આધારિત ઈંધણ પ્રણાલીને સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે. આ ટેકનોલોજી દ્વારા એક જ એન્જિનમાં LNG અને ડીઝલ બંને ઈંધણનો ઉપયોગ કરી શકાય છે. તેવું રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે.
LNG ડ્યુઅલ-ફ્યુઅલ પ્રણાલીના ઉપયોગથી ડીઝલના વપરાશમાં ઘટાડો થવાની સાથે આયાત ખર્ચમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. ડીઝલની સરખામણીમાં LNGની કિંમત ઓછી હોવાને કારણે ડીઝલના સ્થાને LNGના આંશિક ઉપયોગથી સંચાલન ખર્ચમાં પણ બચત થશે. પરીક્ષણ દરમિયાન પ્રાપ્ત થયેલા આંકડાઓના આધારે આશરે ₹25 લાખ પ્રતિ DPC પ્રતિ વર્ષની બચત થવાનો અંદાજ છે.