ખેડુના ઘરમાંથી રૂદ્રાક્ષની સોનાની માળા ગાયબ

આદિપુરની ઘટના, ઘરકામ કરતી મહિલા સામે ફરિયાદમાં શક

આદિપુરમાં રહેતા ખેડૂતે પોતાના ઘરના કબાટના ડ્રોઅરમાં રાખેલી રૂદ્રાક્ષની સોનાની માળા ગુમ થતાં ઘરકામ કરતી મહિલાએ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લખવાયેલી ફરિયાદ મુજબ, દિપકભાઈ પુનાભાઈ કોઠીવાર વ્યવસાયે ખેતી કરે છે. તેમના ઘરે છેલ્લા 14 મહિનાથી કંચનબેન પ્રહલાદભાઈ ભીલ, રહે. દેગામ, તા. રાધનપુર, જી. પાટણ ઘરકામ માટે આવતા હતા. . કંચનબેન તેમના પિતા તથા બાળકો સાથે દિપકભાઈના ઘરની સામે આવેલી ઓરડીમાં રહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમ્યાન દિપકભાઈને બહારગામ જવાનું હોવાથી તેમણે પોતાના બેડરૂમમાં આવેલા કબાટના ડ્રોઅરમાં મૂકેલી રૂદ્રાક્ષની સોનાની માળા પહેરવા માટે શોધી હતી. જોકે, માળા ડ્રોઅરમાં મળી ન આવતા તેમણે રૂમમાં અન્યત્ર પણ તપાસ કરી હતી. ત્યારબાદ પત્નીને પૂછતાં તેમણે પણ માળા ક્યાંય જોઈ ન હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આ માળા આશરે દોઢેક મહિના અગાઉ કબાટના ડ્રોઅરમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ તે ક્યાંક નજરે પડી ન હતી. જેથી દિપકભાઈએ તેમના ઘરે કામ કરતી કંચનબેનને માળા અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન કંચનબેને વાત ટાળવાનો પ્રયાસ કરી પોતે આવી કોઈ માળા જોઈ ન હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તેમના ઘરેથી અચાનક જતી રહી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ગુમ થયેલી રૂદ્રાક્ષની સોનાની માળાનું વજન આશરે 34 ગ્રામ અને કિંમત રૂ.1.10 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમ પોલીસે કહ્યું હતું.