કેદારનાથ ખાતે બની કરુણ જીવલેણ દુર્ઘટના
યાત્રાધામ કેદારનાથ ખાતે બનેલી ભૂસખ્લનની કરુણ દુર્ઘટનામાં માધાપર ( ભુજ ))ના ભાનુશાલી જ્ઞાતિના 29 વર્ષીય આશાસ્પદ યુવાન રાજેશ રમેશ ગજરાનું મૃત્યુ થયું હતું. આ કિસ્સાથી અરેરાટી સાથે સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારના અન્ય સભ્યો સાથે દર્શનાર્થે ગયેલા રાજેશ ગજરાને આ દુર્ઘટના નડી હતી. જેમાં તેમનો જીવનદીપ બુઝાયો હતો. શ્રીનગર ખાતેની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા સાથે અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરાયા પછી એમ્બ્યુલન્સ મારફતે આ યુવકનો પાર્થિવ દેહ રવિવારે રાત્રે માધાપર લવાયો હતો. રાત્રે ગોકુલધામ 1ની પાછળ આવેલી વૃંદાવન સોસાયટી સ્થિત તેમના નિવાસ સ્થાનેથી રાજેશની અંતિમયાત્રા નીકળી હતી. દરમ્યાન મૃતકના પરિવારને સંલગ્ન સૂત્રોએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ પરિવારના સભ્યોએ જાતે તમામ કાર્યવાહી અને કાયદાકીય વિધિઓ પૂર્ણ કરાવી જાતે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી મૃતદેહ ભુજ પહોંચાડ્યો હતો. જ્ઞાતિ અને સામાજિક આગેવાનો સિવાય અન્ય કોઈની આ માટે મદદ રહી ન હતી.

