અનેકવિધ ક્ષેત્રમાં નોંધનીય યોગદાન રહ્યું, અંજલિ અપાઈ
મહાનગર મુંબઈને કર્મભૂમિ બનાવનારા કચ્છી અગ્રણી કચ્છ શક્તિના સ્થાપક અને તંત્રી હેમરાજભાઈ શાહનું મંગળવારે મુંબઈમાં અવસાન થતા શોકની લાગણી ફેલાઇ છે. સદગત જીવનપર્યંત કચ્છ, કચ્છી ભાષા અને કચ્છીયત સહિત ગુજરાતી સમાજ માટે પ્રવૃત રહ્યા હતા. મૂળ વાગડના લાકડીયા ગામના હેમરાજભાઈ વતની હતા. મુંબઈમાં આજે મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મોટી ઉંમરના કારણે તેમની તબિયત બગડી હતી અને તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. અલબત્ત ગત કચ્છી નવા વર્ષના સાંજે મુંબઈમાં દાદર ખાતે યોજાયેલા કચ્છ શક્તિ એવોર્ડ કાર્યક્રમમાં તેઓ હોસ્પિટલમાંથી રજા લઈને વહીલચેર ઉપર કાર્યક્રમમાં આવ્યા હતા. તેમનો આ પ્રેમ ઉપસ્થિત કચ્છીજનોએ એકસાથે ઉભા થઈને વધાવ્યો હતો.
કચ્છ, કચ્છના સર્જકો અને સાહિત્ય તથા વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને સન્માનિત કરવા સહિતના તેમના વિવિધ કાર્યો કચ્છ અને બ્રહદ કચ્છમાં જાણીતા રહ્યા છે. દર અષાઢી બીજના મુંબઇ ખાતે કચ્છ શક્તિ એવોર્ડ કાર્યકમ ઘણા વર્ષોથી અવિરત યોજીને તેમણે આ એવોર્ડથી અનેક પ્રતિભાઓને પોખી હતી. કચ્છમાં સારા વરસાદના પગલે મુંબઈમાં તેમના દ્વારા યોજાતો મેઘલાડુનો કાર્યક્રમ તેમના માદરે વતન તરફના અતૂટ પ્રેમનું પ્રતિબિંબ બની રહ્યો હતો.
શિસ્ત, સમયપાલન, સાદગી અને દરેકને ઉપયોગી થવાની ભાવના સાથેના જીવને તેમને એક અલગ અને માનભર્યું સ્થાન કચ્છી અને ગુજરાતી સમાજમાં અપાવ્યું હતું. અલબત્ત મહારાષ્ટ્ર અને મરાઠી લોકો સાથે પણ તેમનો નાતો આજીવન આત્મીયતાભર્યો રહ્યો હતો.
વિવિધ ક્ષેત્રમાં હેમરાજભાઈના યોગદાનને લઈને તેમને સ્થાનિકથી આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક એવોર્ડ અને ખિતાબોથી વિભૂષિત કરાયા હતા. આ ઢગલાબંધ એવોર્ડ પ્રદર્શન માટે મુંબઈમાં તેમના નામનું મ્યુઝિયમ પણ બનાવાયું છે. મુંબઈમાં ગુજરાતી સમાજને એક તાંતણે બાંધવામાં તેમની પાયાની અને અહમ ભૂમિકા રહી હતી. મુંબઈમાં ગુજરાતી ભવન સંકુલના નિર્માણમાં પણ તેમનું યોગદાન પાયાનું રહ્યું હતું.
તેમના અવસાનના સમાચારથી શોકની લાગણી ફેલાઇ હતી. મુંબઈમાં મંગળવારે સાંજે તેમની અંતિમ ક્રિયા યોજાઈ હતી. જેમાં વિવિધ ક્ષેત્રના અગણીઓ સહિતનો સમૂહ જોડાયો હતો. સદગતને વિવિધ અગ્રણીઓએ અંજલિ આપી તેમના પ્રદાનની સરાહના કરી હતી. કચ્છ શક્તિના સ્થાપક, તંત્રી હેમરાજભાઈ શાહએ પ્રથમ કચ્છ ભારતી ત્યારબાદ કચ્છ શક્તિના નામે સાહિત્યિક દીપોતસ્વી અંકો પ્રગટ કર્યા હતા. તેઓ ગુજરાતી સમાજ મુંબઈના સ્થાપક અને આજીવન પ્રમુખ હતા દરવર્ષે ગુજરાતી સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર સાહિત્યકારો સંગીતકારો ઉદ્યોગપતિઓને ગિરનાર એવોર્ડથી પણ સન્માનિત તેઓ કરતા હતા હેમરાજભાઈ કચ્છી ભાષાના ખૂબ જ પ્રેમી હતા અને તેઓએ સ્વર્ગસ્થ દુલેરાય કારાણી કચ્છી સાહિત્ય પુરસ્કાર 2022થી આપવાની શરૂઆત કરી હતી. જેમાં પ્રથમ પુરસ્કાર જયંતિ જોશી શબાબ,મદનકુમાર અંજારિયા,પદ્મશ્રી નારાયણ જોશી કારાયેલ અને સાહિત્યકાર ગૌતમ જોશીનો સમાવેશ થાય છે આ ઉપરાંત નર્મદ ચંદ્રક પણ અખંડ આનંદ અને કુમારના માધ્યમથી તેમના દ્વારા આપવામાં આવતું હતું કચ્છ અને કચ્છીયત સાથે તેઓ એટલા રંગાયેલા હતા કે કચ્છમાં જ્યારે સારો વરસાદ પડે ત્યારે જમણ કરાવતા હતા. દરમ્યાન, સદગત હેમરાજભાઈને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ, સર્જન ડો.કૌશિકભાઈ શાહ, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ભુજ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ વી.જી.મહેતા, મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણી, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ અને માંડવીના જૈન અગ્રણી જયેશભાઈ જી. શાહ વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

