મોંઘવારી મામલે ભુજમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

દેશ અને રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી અને વર્તમાન સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં મંગળવારે ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યુબિલી સર્કલ ખાતે એકત્રિત થયેલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ નારા લગાવી વર્તમાન સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન પ્રચાર માધ્યમો સાથે વાતચીત કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “વડાપ્રધાને હવે ‘ચાય પે ચર્ચા’ છોડીને ‘ચીની પે ચર્ચા’ અર્થાત ખાંડ અને મોંઘવારી પર ચર્ચા કરવી જોઈએ.” તેમણે ઉમેર્યું કે ભાજપ સરકારની આર્થિક નીતિઓ અને વહીવટના કારણે મોંઘવારીએ તમામ હદો વટાવી દીધી છે, જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘર ચલાવવાનું બજેટ ખોરવાઈ ગયું છે.
કોંગ્રેસ નેતા શ્રી હૂંબલએ આક્ષેપ કરતા જણાવ્યું કે સરકાર સામાન્ય માનવીની રોજિંદી અને પ્રાથમિક જરૂરિયાતો પર પણ આકરા વેરા વસૂલી રહી છે. દૂધ, દહીં અને લોટ જેવી અતિ આવશ્યક ચીજો પર પણ જીએસટી લગાવીને પ્રજાની કમર તોડી નખાઈ છે. અનાજ, કઠોળ, શાકભાજી અને ખાદ્યતેલના ભાવોમાં લાગેલી આગના કારણે સામાન્ય માણસની પહોંચ બહાર વસ્તુઓ જતી રહી છે અને ગૃહિણીઓ માટે રસોડું સંભાળવું અશક્ય બન્યું છે.
પક્ષે અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ઇંધણ તેમજ રાંધણ ગેસના સિલિન્ડરોના અસહ્ય ભાવવધારાએ વાહનવ્યવહારનો ખર્ચ વધારી દીધો છે, જેની સીધી અસર દરેક નાની-મોટી વસ્તુઓ પર પડી રહી છે. એક તરફ લોકોની આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે અને બેરોજગારી વણથંભી વધી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્ર મોંઘવારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ સાબિત થયું છે. કોંગ્રેસ પક્ષે સરકાર પાસે તાત્કાલિક અસરથી જીવનજરૂરી વસ્તુઓ પરનો ટેક્સ ઘટાડવાની અને સામાન્ય જનતાને આર્થિક રાહત આપવા માટે નક્કર પગલાં ભરવાની માંગ કરી છે. નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં મોંઘવારી પર અંકુશ લાવવામાં નહીં આવે, તો કોંગ્રેસ જનતાના હિત માટે રસ્તા પર ઉતરીને આનાથી પણ વધુ ઉગ્ર જનઆંદોલન છેડશે. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજેશ આહીર, અરજણ ભુડિયા, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, રાજભા જાડેજા, જુમ્માભાઈ નોડે, ડૉ. રમેશ ગરવા, ઇલીયાસ ઘાંચી, કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, રાધાિંસગ ચૌધરી, પી.સી.ગઢવી, કાસમ સમા, પ્રજ્ઞેશ ચોથાણી, મુસ્તાક હિંગોરજા, રસિકબા જાડેજા, આયશુબેન સમા, ખેતશી ગજરા, માવજી મહેશ્વરી, મિત્તલબેન ઠક્કર, અનીલસિંહ ભાટી, મુનશીભાઈ, બબુગીરી ગોસ્વામી, અબ્દુલ લતીફ ચાકી, વિજયગીરી ગોસ્વામી, અકરમ મારા, કપીલ મહેતા, ઘનશ્યામ સોની, અલીભાઈ કુંભાર, મેહુલ મહેતા, પ્રફુલસિંહ જાડેજા, દિવ્યરાજ સોંદરવા, દર્શક ગઢવી, કાસમ સમા, જુમ્માબેન મહેશ્વરી, ભાવનાબા જાડેજા, મરિયમબેન માંજોઠી, પાલિકાના નગર સેવકો ચેતન શાહ, આદીલ જંત, ચંદ્રાબેન સોની, રાણબાઈ મહેશ્વરી વગેરે સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, તેમ પ્રવક્તા અંજલિ ગોરએ યાદીમાં જણાવાયું હતું.