ત્રણ શખ્સએ બે વખત ચોરી કરી હોવાની હરકત કેમેરામાં કેદ
નખત્રાણા ખાતે કાર્યરત વિભાગીય પી.જી.વી.સી.એલ. કચેરીની પાછળ આવેલા તંત્રના સ્ટોરમાંથી અજાણ્યા શખ્સએ બે તબક્કામાં રૂ.7,57,427ની કિંમતનો ડીશ હાર્ડવેર તથા જૂનો એલ્યુમિનિયમ વીજતાર ચોરી કર્યાનો મામલો બહાર આવ્યો છે. આ સમગ્ર ચોરીની ઘટના સ્ટોરમાં લાગેલા કેમેરામાં કેદ થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. કેસના ફરિયાદી મનોજકુમાર રાજુભાઈ વસાવા (જુનિયર ઇજનેર)એ લખાવેલી ફરિયાદ મુજબ કેમેરા તપાસતાં તા.21/08/2026ની રાત્રે બેથી ત્રણ વાગ્યા દરમિયાન ત્રણેક ઈસમ ડીશ હાર્ડવેરના કોથળા તથા જૂના એલ્યુમિનિયમ વીજતારના ફીંડલા લઈ જતા દેખાયા હતા. ફરી તા.27/08/2026ના રાત્રે બે વાગ્યાથી પોણા ચારે વાગ્યા સુધી આ ત્રણેક ઈસમએ એલ્યુમિનિયમ વીજતારના ફીંડલા ચોર્યાનું દેખાયું હતું. સ્ટોક વેરિફિકેશન કરતાં 38 કોથળામાં આશરે 991 ડીશ હાર્ડવેર તથા જૂના એલ્યુમિનિયમ વીજતારના 28 ફીંડલા, વજન આશરે 1.828 ટન, ગાયબ મળી આવ્યા હતા. ચોરાયેલા મુદ્દામાલની કિંમત રૂ.3,73,547 અને એલ્યુમિનિયમ વીજતારની કિંમત રૂ.3,83,880 મળી કુલ 7,57,427ની ચોરી થયાનું બહાર આવ્યું છે. તેવું ફરિયાદમાં લખાવાયું છે.

