ભચાઉના વિવિધ ગામોના વિકાસ કામોની સમીક્ષા

પાયાની સુવિધાઓ અંગે માર્ગદર્શન આપતાં જિલ્લા વિકાસ અધિકારી

કચ્છના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા ભચાઉ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત તેઓએ તાલુકાની ચીરઈ નાની, ચીરઈ મોટી તેમજ ચોપડવા ગ્રામ પંચાયતોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તાલુકા પંચાયત ભચાઉ ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લા વિકાસ અધિકારીએ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ પંચાયતોમાં ૧૫માં નાણાંપંચ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ અન્ય સરકારી યોજનાકીય વિકાસ કામોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ગ્રામ પંચાયત વેરા વસૂલાતની કામગીરી, ગામમાં સાફ-સફાઈની વ્યવસ્થા તથા પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.